ભાગ્ય તારું રે માનવ, ચોધાર આંસુએ ત્યારે તો રડે છે
દોષ છે જ્યાં કર્મનાં તો તારા, દોષિત જ્યાં તું ભાગ્યને ગણે છે રે - ભાગ્ય...
કર્મો કરતા ના જોયું તેં તો જ્યારે, દોષ હવે ભાગ્યનો તું કાઢે છે રે - ભાગ્ય...
સહનશીલતા તૂટી જીવનમાં જ્યારે, દોષ ભાગ્યનો જ્યાં તું કાઢે રે - ભાગ્ય...
સાચાખોટા લઈ નિર્ણયો જીવનમાં, ભાગ્ય તરફ મીટ તું તો માંડે રે - ભાગ્ય...
સફળતામાં અહંની સાથે ને સાથે, નિષ્ફળતા ભાગ્યને ગળે તું તો નાંખે રે - ભાગ્ય...
આકાંક્ષાઓ કાબૂમાં ના રાખે જ્યારે, પુરુષાર્થને પાંગળો તું બનાવે રે - ભાગ્ય...
પ્રભુકૃપાને તારી હોશિયારીમાં આંકે, લાયકાત તારી જ્યાં તું વીસરી જાયે રે - ભાગ્ય...
સુખની ધારા હસતા સ્વીકારી, ફરિયાદ દુઃખની જ્યાં ઊભી તું રાખે રે - ભાગ્ય...
તોફાન તો જીવનનો અંશ તો છે જ્યારે, જીવન નિષ્ક્રિયતાને કરે છે હવાલે રે - ભાગ્ય...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)