મુખ-મુખ પર માનવના તો, ચિન્હો જુદા-જુદા દેખાય છે
કોઈના મુખ પર ટપકું શોભે, ક્યાંય આડા ઊભા લીટા દેખાય છે
કોઈના મુખ પર આશ્ચર્ય દેખાયે, આશ્ચર્યચકિત જ્યાં થઈ જાય છે
રોષના ચિન્હ તો કોઈનું મુખ દેખાડે, અંતરના ઘમસાણ ત્યાં દેખાય છે
વિતાવે જીવન પ્રશ્નાર્થ જેવું, પ્રશ્નાર્થ ચિન્હો જેવા એ જણાય છે
કોઈના રડમસ ચહેરા તો, રડવાની ચાડી તો ખાઈ જાય છે
કોઈનું મુખ દેખાયે ઉલ્લાસભર્યું, ગમગીની દૂર કરી જાય છે
અંતરના આનંદની ઊર્મિઓ એની, મુખ પર તો પથરાય છે
મુખ તો છે અંતરનો આયનો, અંતર ત્યાં તો ખુલ્લું દેખાય છે
અંતરની તો ઘણી-ઘણી રે વાતો, મુખ જલદીથી કહી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)