શીખવે રે માડી, અમને તો તું કાંઈ, શીખ્યા અમે તો બીજું રે કાંઈ રે
જીવનમાં આવું તો કેમ બન્યું રે માડી, જીવનમાં આવું તે કેમ બન્યું રે
તું ચાહતી રહી છે કાંઈ, કરતા રહ્યા જીવનમાં અમે તો બીજું કાંઈ રે - જીવનમાં...
કરવી છે રાજી તને તો અમારે, ચાલતા રહ્યા નારાજગીના પથ પર રે - જીવનમાં...
ભક્તિની તાણ હૈયે જાગી, મનડું માયામાં તો તણાતું ને તણાતું ગયું રે - જીવનમાં...
કરતા રહીએ જીવનમાં અમે તો કાંઈ, ચાહીએ અમે તો બીજું કાંઈ રે - જીવનમાં...
સુખ કાજે રહીએ અમે રે દોડતાં, દુઃખ તો દ્વાર અમારા ખખડાવતું રહ્યું રે - જીવનમાં...
જાવું છે તો દિશામાં તારી, મુખ અમારું બીજે તો કેમ ફેરવી દીધું રે - જીવનમાં...
પ્રેમ ને ભક્તિ અમને વિસરાવી, માયાના ચક્રાવે કેમ અમને ચડાવી દીધા રે - જીવનમાં…
ઇચ્છાઓ ને ભાગ્યની જોડી જમાવી, શાને તેં તો આવું કરી દીધું રે – જીવનમાં…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)