સાગરમાં તો સ્થિર રહેતા તો પડશે શીખવું,
સાગર તો જ પાર કરી શકાય
ઊછળતા મોજાને ઊઠતા તોફાનને પડશે સહેવા,
સ્થિર રહેવું બનશે ના આસાન
મીઠાં જળની રાખતો ના એમાં તું આશા,
પડશે પચાવવી એની તો ખારાશ
ભરતી ઓટના પડશે સહેવા રે ઘા,
નજર સામે આવી કિનારો તો દૂર થઈ જાય
અફાટ સાગરમાં સ્થિર રહેવા, રાખવો પડશે તારે તારો આધાર,
કરવા પડશે યત્નો માન્યા વિના હાર
પડશે ભૂલવો થાકને, ધરી હિંમત ને ધીરજ,
માંડવી પડશે કિનારા ઉપર મીટ સદાય
રહેવું ને રહેવું પડશે સ્થિર તારે એમાં, તારે ને તારે,
પડશે કરવો એને તો પાર
રહેવું પડશે તારે તારા આધારે,
પડશે શોધવો તારે તારા અંતરમાંથી પ્રકાશ
ઉપર આકાશ છે, નીચે પાણી, છે વચ્ચે તો તું નિરાધાર,
રાખ પ્રભુ પર તું આધાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)