રે પામર જીવડા રે, જીવનમાં પામર ને પામર તું શાને બનતો રહ્યો
બની પામર આવ્યો છે તું જગમાં, પામરતા કાં ના ખંખેરી શક્યો
ક્ષણે-ક્ષણે અંતરમાં શૂરવીર બની, કેમ પામર તું તો બની રહ્યો
બણગાં તો ખૂબ ફૂંકતો રહ્યો, આચરણમાં કેમ તું અધૂરો રહ્યો
ઊડવા ઊંચે કોશિશો તો તારી, શાને અધૂરી તું છોડતો ગયો
સંયમ-શ્રદ્ધા-ભક્તિની મૂડી તારી, શાને ઓછી તું કરતો રહ્યો
કરી વિચારો ને આચરણો ખોટાં, શાને દુઃખને તો તું નોતરતો રહ્યો
ડર ને ચિંતાઓમાં તો ડૂબી, મરણ પહેલાં તો શાને તું મરતો રહ્યો
હું પદમાં તો જીવનમાં રાચી, પામર ને પામર તો શાને બનતો રહ્યો
માયામાં તો રહીને રે ભમતો, લક્ષ્ય તો શાને તું ચૂકતો રહ્યો
છે પ્રભુનું તો તું સંતાન, એનાથી દૂર તું શાને થાતો રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)