મૂકી દેજે રે તું, ખુલ્લા રે તું, તારા હૈયાંના રે સ્નેહના રે દ્વાર
જોતો ના તું પાત્રની પાત્રતા એમાં, નહાવું હોય તે ભલે સહુ એમાં રે નહાય
જોવા બેસીશ જો તું પાત્રની પાત્રતા એમાં, બની જાશે એમાં સંકુચિત સ્નેહની રે ધાર
જોયા નથી જ્યાં, રાખ્યા નથી જ્યાં ભેદ પ્રભુએ, વીસરતો ના તું આ તો સદા
રાહ જોઈ જોઈ ભલે રે તું જગમાં, મળશે કોઈક જગમાં તને પાત્રતાનો સાથ
પાત્ર તો જગમાં બનવું પડે છે જગમાં, ઝીલવા પ્રેમની ને સ્નેહની રે ધારા
સ્નેહની ધારાને પ્રેમની ધારા, પાત્ર બનાવશે, ઝીલશે જગમાં જે જે એની ધારા
જન્મે હોતી નથી કોઈ વિશેષ પાત્રતા સહુમાં, સંજોગો પાત્રતા ઊભી કરાવી જાય
બનવું પ્રભુનું પાત્ર જીવનમાં, છે જગમાં સાધના એ તો મહાન
હોય છે સહુમાં કોઈને કોઈ તો પાત્રતા, હોતા નથી કોઈ પૂર્ણ પાત્રતાનો ભંડાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)