બન્યો-બનાવ્યો તારો રે પ્રભુ, જગમાં હું તો આવ્યો છું
બનવું છે જેવું મારે રે જગમાં, આશિષ તારા એમાં હું માગું છું
દીધું જે-જે તેં તો મને રે પ્રભુ, જગમાં સાથે એ લેતો આવ્યો છું
મેળવવું છે જેવું મારે રે જગમાં, શક્તિ તારી એમાં માગું છું
હતો તુજમાં, હતી ના હસ્તી મારી, આવી જગમાં હસ્તી સાથે લાવ્યો છું
સમાવી તુજમાં, મિટાવી દે હસ્તી મારી, તારી પાસે આ તો યાચું છું
આવશે બાધાઓ બનવામાં, કરવા સામનો એનો હું તો ચાહું છું
પડું ના તૂટી અધવચ્ચે એમાં રે પ્રભુ, શક્તિ એમાં હું તો માગું છું
છું હું તો તારો રે પ્રભુ, તમારો ને તમારો રહેવા હું તો માગું છું
પહોંચવું છે મારે તારી પાસે, અધવચ્ચે ના રહેવા હું તો માગું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)