સીમાને તો મળશે, કદી તો કિનારા, અસીમિતને તો મળશે કિનારા તો ક્યાંથી
ઊછળ્યું તો જેમાં, સમાયું જ્યાં એમાં, ગોતવું એમાંથી એને રે પાછું તો ક્યાંથી
પીગળ્યું ને બન્યું એકરસ જેમાં, અલગ અસ્તિત્વ મળશે, એનું રે ક્યાંથી
મળતાં સંજોગો, કરી ના જે શક્યા, કરી શકશે પછી, થાયે ખાતરી એની રે ક્યાંથી
ફરતા રહે, ગોતતાં જે બહાનાં, વધી શકશે એ આગળ, કહી શકાશે એ ક્યાંથી
કરી નથી શક્યા દૂર દુશ્મન જે અંતરના, ઝઝૂમી શકશે જગમાં એ તો ક્યાંથી
હર પરિસ્થિતિમાં છે અસંતોષ તો જેને, રહી શકશે જીવનમાં, રાજી એ તો ક્યાંથી
ગોતવાં તો છે ઊગતાં કિરણો તો પશ્ચિમમાં, મળશે એને, ત્યાંથી તો ક્યાંથી
રોકી શક્યા નથી, મનને સ્થિર તો જ્યાં, પામી શકશે દર્શન પ્રભુનાં એ તો ક્યાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)