સમજાવ્યું સંજોગોએ ઘણું જીવનમાં, તોય ના સમજ્યા, ના સમજ્યા
મળ્યા અણસાર જીવનમાં ઘણા, સાર એના તો ના સમજ્યા, ના સમજ્યા
કરી વાડ ઊભી અહં ને આશા તણી, ના એને તોડી શક્યા, ના તોડી શક્યા
આવી ઊભા સંજોગો ઘડીએ ધડીએ, રહ્યા સદાય એને ચૂકતા ને ચૂકતા
છે પ્રગતિનાં પગથિયાં એ તો, જીવનમાં રહ્યા એ તો ભૂલતા ને ભૂલતા
રહ્યા આવતા ને જાતા જીવનમાં, જીવનમાં રહ્યા એને તો જોતા ને જોતા
કર્યા ઉપયોગ, જીવનમાં જ્યાં સાચા, રહ્યા ફાયદા એવા તો મળતા ને મળતા
ચૂક્યા જ્યાં એને જીવનમાં અહંમાં, જીવનમાં રહ્યા રડતા ને રડતા
ઉપયોગ વિના એના, સાચા જીવનમાં, લાચાર એમાં બન્યા ને બન્યા
કરી અને ડૂબી જીવનમાં તો માયામાં, રહ્યા પ્રભુને તો ભૂલતા ને ભૂલતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)