છે દુનિયા તો બહુરંગી કાંચીડાની જેમ, રંગ તો બદલતી જાય
જે મુખે કરે જે વાત આજે, એ જ મુખે, વાત બીજી વહેતી જાય - છે...
ઘડીમાં તો પ્રેમની ધારામાં નવરાવે, બીજી ધડીએ ઝેર ઓકતા જાય - છે...
હોય સંબંધ બાંધવા જે આતુર, સંબંધ તોડતા ને બગાડતા જાય - છે...
આજે દોસ્તીનો દાવો કરનારા, કાલે પૂરા દુશ્મન બની જાય - છે...
શાંતિના સરોવર સમા દેખાતા, ક્રોધની જ્વાળા વેરતા જાય - છે...
જ્ઞાનના ઢોંગના અંચળા ઓઢી, અજ્ઞાનનાં ટીપાં પાડતાં જાય - છે...
વેરાગ્યની મોટી-મોટી વાતો કરનારા, રાગમાં તો ડૂબતા જાય - છે...
સુખની કોશિશોની વાતો કરી જગમાં, દુઃખ જીવનમાં ઊભું કરતા જાય - છે...
સમદૃષ્ટિ ને ખૂબ દેખાવ કરી જગમાં, જગમાં મારું-તારું કરતા જાય - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)