જળના પરપોટા તો, જળમાં જન્મી, પાછા જળમાં તો સમાતા જાય
કોઈ તો નાના, કોઈ તો મોટા, જુદા-જુદા એમાં એ તો દેખાતા જાય
કોઈ નાના રહી, પાછા જળમાં સમાય, કોઈ બની મોટા પાછા જળમાં સમાય
જન્મ્યાં જ્યાં એ જળમાં, પોષાય જળમાં, પડશે જળમાં જવું એણે સમાઈ
જળમાં થાશે એ મોટા, નથી જળથી એ જુદા, જળ વિના નથી બીજું એ કાંઈ
દેખાય ભલે એ તો જુદા ને જુદા, જળ વિના નથી સહુમાં બીજું કાંઈ
જળ તો છે એની સૃષ્ટિ, જળમાં છે એની મુક્તિ, પડશે જવું જળમાં સમાઈ
કાળ છે સહુના જુદા, પડશે એ તો જુદા, પાછા જળમાં એ તો સમાતા જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)