મનકચરો બાળી, જ્ઞાનદીપક જે પ્રગટ્યો, પ્રકાશ એનો ફેલાતો રહે સદાય
મન વિશુદ્ધ બનતાં, પ્રગટે જે જ્ઞાનધારા, જ્ઞાનસાગર એ તો કહેવાય
વિશુદ્ધ ભાવની સરિતા વહે જ્યાં હૈયે, એ તો પ્રેમસરિતા કહેવાય
સંઘર્યાં છે વિવિધ રત્નો તો એણે હૈયે, ભલે સાગર તો ખારો કહેવાય
છુપાયાં છે અણમોલ રત્નો સંસારમાં, સંસાર તો સંસારસાગર કહેવાય
ખારા આ સંસારસાગરમાં, અણમોલ પ્રેમ, એ તો મીઠી વીરડી કહેવાય
રચ્યાં જ્યાં મને સ્વપ્નો ખોટાં, એ તો માયાનાં મૃગજળ કહેવાય
પરમાત્માના પરમ જળનિધિમાં, આત્મા, એમાં તો પરપોટા કહેવાય
અમાપ એવા સમય ક્ષિતિજમાં, જીવન એ તો અલ્પવિરામ કહેવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)