જાણી-જાણી જગમાં જાણીશ કેટલું, છે જગમાં, જાણવા જેવું સ્થાન તો તારું
માની-મનાવી, મનથી શું બેઠો, આ જગને, ધામ તો તારું
આવનજાવન જગમાં નજરે જોઈ, ભૂલી ગયો પરમધામ તો તારું
છોડી ગયા નાની-મોટી જગમાં કંઈક કાયા, મળતું નથી કોઈ એનું ઠેકાણું
મૂકી ભરોસો તનમાં ને જગમાં, છેતરાઈ, ખોયું તેં આયુષ્ય સારું
છે આંખ સામે માયાનો પડદો એવો, દેખાવા છતાં નથી દેખાતું
કાયા વિનાના છે દુશ્મન ઝાઝા, બને મુશ્કેલ સામનો કરવાનું
આંખ સામે હોય એ તો દેખાય, બને મુશ્કેલ અદીઠને સમજવાનું
પોથીમાં લખ્યું હોય બને વાંચવું સહેલું, પોથી બહારનું અનુભવીને પૂછવાનું
લાગી જા યત્નોમાં, અદીઠ-અવ્યક્ત પ્રભુને તો શોધવાનું
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)