આવવાની છે રે ભાઈ આવવાની છે
એક દિન તો મોતની સવારી, સહુ પાસે તો આવવાની છે
વહેલી યા મોડી, એક દિન સહુ પાસે એ તો પહોંચવાની છે
વાજતી-ગાજતી કે ચુપકીદીથી, સહુ પાસે એ તો પહોંચવાની છે
રાખજે એની તું તૈયારી, તારા દ્વારે ભી એ તો પહોંચવાની છે
પકડશે ઊંઘતો એ રે તને, બીજાને રડતા રાખવાની છે
અધૂરાં કાર્યો રહેશે અધૂરાં, મનની મનમાં રહી જવાની છે
રોકી ના શકાશે એ તો કોઈથી, ના એ રોકાવાની છે
યુગોથી ચાલતી રહી છે સવારી, ચાલતી એ રહેવાની છે
ચેતતો નર સદા સુખી, વાત લક્ષમાં આ રાખવાની છે
છૂટ્યા નથી કોઈ, શું છૂટશે તું, ફોગટ કોશિશ ના કરવાની છે
હસતા-હસતા સત્કારજે એને, મોજ એની તો માણવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)