મારું ને તારું, તારું ને મારું રે માડી, મિલન આજે થાવા દે
વામન ને વિરાટનું રે માડી, મિલન આજે તો થાવા દે
સાગરમાં તો આજે રે માડી, બિંદુને તો સમાવા દે
વિરાટ તારા આકાશમાં રે માડી, તારો બની ટમટમવા દે
આ જગમાં ધડકતા તારા હૈયાની, એક ધડકન બનવા દે
અવિરત વરસતી તારી વર્ષાની, એક ધારા તો બનવા દે
નીકળતાં તારાં અસંખ્ય કિરણોમાંનું, એક કિરણ બનવા દે
તારા અસંખ્ય અણુઓમાંનો, એક અણુ બનવા દે
વિશ્વની અસંખ્ય રુવાંટીમાંની, એક રુવાંટી બનવા દે
જગના તારા અસંખ્ય વાળમાંનો, એક વાળ બનવા દે
અવિરત વહેતા તારા શક્તિના પ્રવાહનું, મને બિંદુ બનવા દે
તારા કાળાતીત કાળનો રે માડી, એક અલ્પકાળ બનવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)