તારાં દર્શનની આશ હૈયે તો જ્યાં જાગી ગઈ
રે માડી, નીંદ મારી હરામ થઈ ગઈ (2)
આવશે તું હમણાં, આવશે તું હમણાં રે માડી
તારા આવ્યાની ઇંતેજારી તો વધતી ગઈ (2)
પલક-પલકમાં સ્વપ્ન રચાયાં, તારા આવ્યાના ભણકારા દેતી ગઈ
જોવામાં એ, આંખ તો પલક મારવું વીસરી ગઈ (2)
આંખથી આંસુ તો રહ્યાં સરતાં, હાલત એવી તો થઈ ગઈ
મન ભી ત્યાં ફરતું ગયું અટકી, આદત એની ભુલાઈ ગઈ (2)
ભાવથી હૈયું ભીંજાઈ ગયું, ભાવોની સરિતા તો વહી
જાણું ના માડી, કઈ પહોંચી તારી પાસે, કઈ રહી ગઈ (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)