ધન્ય બની ધરતી, મળ્યો ભગીરથ જ્યારે, અવતરણ ગંગાનું દીધું કરી
રાહ જુએ સાગર તો એવા ભગીરથની, દે જે એને તો મીઠો કરી
જોયો ધરતીએ વિશ્વામિત્રને, દીધું જેણે ધરતી પર સ્વર્ગ બીજું રચી
જોઈ રહી છે રાહ માનવજાત એવા વિશ્વામિત્રની, દે જે ઘર-ઘર સ્વર્ગ ઊભું કરી
મળી હતી કામધેનુ ગાય, વસિષ્ઠની ઇચ્છા દેતી બધી કરી પૂરી
માનવ કરી રહ્યો છે પ્રતીક્ષા એવી કામધેનુની, કરે જે બધી ઇચ્છાઓ એની પૂરી
હતા પૂર્વકાળે કંઈક પાસે પારસમણિ, દેતા હતા કથીરને પણ સોનું બનાવી
ઢૂંઢી રહ્યો છે માનવ આજે પણ, બનાવે કથીરને સોનામાં, પારસમણિ
મળ્યો છે ધરતીને એક જ સૂર્ય એવો, દિનભર દે પ્રકાશ કરી
ગોતી રહ્યો છે તોય માનવ એવા સૂર્યને, દે હૈયું જે પ્રકાશથી ભરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)