તું તો લાગે વહાલી મને રે માડી, વહાલી મને તું તો લાગે છે
માની છે તને મેં તો મારી, તું તો મારી ને મારી જ છે
કરું જ્યાં યાદ તને રે માડી, પાસે ને પાસે તું તો લાગે છે
પલક ખોલતાં ને બંધ કરતાં, સામે ને સામે તું તો આવે છે
વીત્યા ભલે જન્મો, નથી વીતવાના મળવા તને, એની ખાતરી છે
પોકારું જ્યાં તને ભાવભર્યા હૈયે, દોડી ને દોડી તું તો આવે છે
જાણવું નથી બીજું કાંઈ રે માડી, એક તને મારે તો જાણવી છે
પ્યાર તો છે હૈયામાં રે મારા, પ્યાર છે હૈયામાં તારા, તું તો એક લાગે છે
હૈયું હોયે ભલે મારું, ધડકન છે તારી, જીવન ભર્યું-ભર્યું તો લાગે છે
આંખડી હોયે ભલે તારી, સમાવું છે એમાં માડી, જગને એમાંથી નિહાળવું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)