કર્મો તો જગમાં કરવાં પડશે, પ્રભુનાં કર્મો સમજી કરતો રહેજે
જાણ્યે-અજાણ્યે ભાવો જાગતા રહેશે, પ્રભુચરણે એને ધરતો રહેજે
વૃત્તિ સદા તો કૂદતી રહેશે, પ્રભુચરણે એને તો વાળી લેજે
મનડું તો સદા ફરતું રહેશે, પ્રભુચરણમાં લીન એને કરી દેજે
ચિત્ત તો સદા ચંચળ રહેશે, પ્રભુચરણે સ્થિર કરી રે દેજે
પ્રેમની ધારા તો વહેતી રહેશે, પ્રભુચરણે એને તો વાળી લેજે
જ્ઞાનની ધારા તો જાગતી રહેશે, પ્રભુચરણ એનાથી ધોઈ લેજે
ભક્તિની ધારા તો જાગી જાશે, પ્રભુને એમાં નવરાવી દેજે
ગુણોની ધારા તો ઉદ્દભવતી જાશે, પ્રભુમય એને કરતો રહેજે
ચિંતાની ધારા તો જાગી જાશે, પ્રભુચરણે એને તું ધરી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)