અંતિમ નથી, અંતિમ નથી, જગમાં કાંઈ અંતિમ નથી
રહ્યું છે બદલાતું બધું રે જગમાં, જગમાં કાંઈ અંતિમ નથી, અંતિમ નથી
વીત્યો સમય બિંદુમાંથી માનવ થાતાં, માનવ તન ભી અંતિમ નથી
વૃત્તિઓ રહે સદા બદલાતી, બદલાતું, એ તો કાંઈ અંતિમ નથી
સંબંધો ભી રહે સદા પલટાતા, પલટાતું, એ તો કાંઈ અંતિમ નથી
નાનામાંથી મોટા થાતા, મોત આવતાં મરી જાતા, જીવન ભી અંતિમ નથી
જગમાં તો જનમતા રે દેખાતા, મરણ ભી તો અંતિમ નથી
ભાવો ભી જો રહે બદલાતા ને પલટાતા, ભાવો ભી, એ તો કાંઈ અંતિમ નથી
વિચારો ભી રહે જો સદા બદલાતા, વિચારો ભી તો અંતિમ નથી
ધ્યેય રહે જો સદા બદલાતું, એવું ધ્યેય ભી તો અંતિમ નથી
બદલાતું રહે પ્રભુ સિવાય રે બધું, પ્રભુ વિના બીજું તો અંતિમ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)