છે ખુલ્લાં તો જ્યાં પ્રભુનાં દ્વાર, પ્રવેશતાં શાને ખચકાય છે
મળશે ત્યાં તો તને મીઠો આવકાર, પહોંચતાં શાને અચકાય છે
નથી છવાયેલા ત્યાં તો અંધકાર, જાતાં ત્યાં તું શાને ગભરાય છે
જોવાશે નહીં ત્યાં તો તારો આકાર, બધે શાને તું ભટકાય છે
મળશે ભરી-ભરી તને તો પ્યાર, જાતાં ત્યાં તું શાને અચકાય છે
બનશે ત્યાં તું એના પ્રેમનો શિકાર, પહોંચતાં શાને ખચકાય છે
હશે નહીં ત્યાં જૂઠા શાન કે શણગાર, પ્રવેશતાં શાને ગભરાય છે
છે ત્યાં એના તેજ તણો નહીં પાર, જાતાં ત્યાં તું શાને ખચકાય છે
નહિં આવવા દે ઊણપ તને લગાર, પહોંચતાં શાને ખચકાય છે
પહોંચી જા ત્યાં, ત્યજી ચિંતા ને શંકાનો ભાર, પ્રવેશતાં શાને અચકાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)