જગમાં તો બસ, વાડા ને વાડા જ દેખાય છે
કોઈ વાડો વ્યક્તિનો, કોઈ વાડો સમૂહનો કહેવાય છે
કોઈએ એને હદ કીધી, કોઈને સરહદ નામ અપાય છે
કોઈને કીધો જિલ્લો, કોઈને રાષ્ટ્રનું લોભામણું નામ અપાય છે
કોઈએ ગોરો વાડો કીધો, કોઈએ કાળો, વાડા તો બંધાતા જાય છે
એક જ ધરતીના કરીને વાડા, અધિકાર તો જમાવાય છે
કર્યા ધર્મના જુદા વાડા, સંપ્રદાયનું હુલામણું નામ દેવાય છે
પૂર્યા પ્રભુને તો એ વાડામાં, પ્રભુ ત્યાં તો મૂંઝાય જાય છે
કોઈએ કર્યા સાક્ષરતાના વાડા, અભણને ના સ્વીકારાય છે
વાડે-વાડે રહ્યા વધતા વાડા, વિવાદ એના સર્જાય છે
લાવી વાડાએ સંકુચિતતા, વિશાળતા એમાં હણાય છે
ગમ્યું નથી સર્વવ્યાપકને પુરાવું, એ તો વીસરી જવાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)