અનેક તારા અવતારોની છે અનેક કહાની, કઈ મારે વખાણવી
ઊભરાય હૈયું એમાં ભાવોથી, છલકાય નયનો એમાં તો અશ્રુઓથી
કહાનીએ કહાની દે ભાન ભુલાવી, છે બધી તો એ ભાવ ભરેલી
અનેક ગુણો ને અનેક પરાક્રમોથી તો છે ભરેલી, તારી ને તારી કહાની
નથી કોઈ નાની, નથી કોઈ મોટી, રહી છે કંઈક ને કંઈક તો એ કહેતી
છે એ દુઃખનાશક પીડાનાશક, રહી છે સદા એ તો પ્રેરણા દેનારી
છે જીવનમાં એ અમોઘ ઔષધ, છે જીવનમાં એ તો શાંતિ દેનારી
દિશા એની જગમાં નથી કોઈ ખાલી, ગુંજે છે ગુંજન એમાં તારી કહાની
અવાજોના ગુંજનોમાં કિરણો ને પ્રકાશોમાં રહી છે એ તો ફેલાયેલી
છે અમર કૃતિ એ તો તારી, તારી યાદોની તારી યાદોથી છે સંકળાયેલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)