પ્રગટે દાવાનળ જીવનમાં જ્યારે, જોજે સૂકા ભેગું, લીલું ના બળી જાય
લપેટશે જ્વાળા એની, કોને ને ક્યારે, જીવનમાં તો એ ના કહી શકાય
કણકણની કિંમત છે જીવનમાં જ્યારે, જોજે એક કણ પણ નકામો ના જાય
ભેગું કરેલું હશે, જ્યાં સુધી સાથે, દુરુપયોગ જીવનમાં એનો તો ના થાય
ફેલાશે જ્યાં ચારે દિશામાં અગ્નિ, બહાર નીકળવું એમાંથી, મુશ્કેલ બની જાય
બહાર નીકળવા માગશે ભોગ થોડા, જીવનમાં આપતા, જોજે પાછા ના પડી જવાય
વાવેલી લીલી વાડી તારી, જોજે બળીને એમાં ભસ્મીભૂત ના થઈ જાય
પ્રગટી છે એ જ્વાળા, નાના ઘર્ષણમાંથી, પવને પવને આગ ભભૂકી ના જાય
કાપી કાપી થોડું લીલું ને સૂકું, પડશે કાઢવો મારગ એમાંથી તો સદાય
રાહ જોશે તું ક્યાં સુધી, પવન બદલે દિશા, રાહ એટલી ના જોવાય
કરી નિર્ણય ઝટપટ, કરજે અમલ પટપટ, જલદી પહેલાં એ રાખ બની જાય
નવસર્જન કાજે પૂરજે ચેતન હૈયામાં, સૂકામાંથી સર્જવા લીલું, બનજે તૈયાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)