કુદરતને તેં એવી કેવી ઘડી, કોઈથી એ સમજાય ના
અરે ઓ એને ઘડનારી `મા', તું કેમ ક્યાંય દેખાય ના
આ સૃષ્ટિ તેં નિયમોથી બાંધી, દોર એનો દેખાય ના
ચંદ્ર-સૂરજ નિયમોથી ફરતા, નિયમ બહાર જાય ના
સાગરમાં તેં જળ ભર્યું ઘણું, છતાં એ પીવાય ના
વાયુ એ તો સઘળે વાતો, ભેદ ત્યાં કોઈ દેખાય ના
અસંખ્ય તારા નભમાં ફરતા, કોઈ કોઈથી અથડાય ના
છતાં આ સૃષ્ટિમાં માનવ કેમ અથડાતા, એ સમજાય ના
તેં તો સઘળું માનવને આપ્યું, છતાં કેમ એ ધરાય ના
સાચી શોધ હૈયે નવ જાગે, ત્યાં સુધી તું દેખાય ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)