કામ વિના પ્રીત થાતી નથી, પડ્યું છે મારે તારું કામ
પ્રયત્ન સઘળા નિષ્ફળ જતાં, આવ્યો છું તુજ ધામ
અહીંતહીં સઘળે જતાં, બન્યો હું ઘણો નિરાશ
ઓ સકળ જગતની જનેતા, પૂરણ કરો મુજ આશ
દેહ અમૂલખ દઈને, કીધા તેં કોટિ ઉપકાર
તન મારું કહ્યું કરતું નથી, કેમ ભજું તને જુગદાધાર
જનમથી પળ ગઈ નથી, જ્યારે તેં ન લીધી સંભાળ
પણ હજી છૂટતી નથી, આ જગત તણી જંજાળ
ખાલી હાથે આવ્યો હતો, ખાલી હાથે જાવું તારી પાસ
આ સઘળું જાણવા છતાં, કેમ રહેતો નથી વિશ્વાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)