હસતા મુખે રહ્યા છીએ જીવન જીવી, નથી કાંઈ અમે પાષાણ
ઊર્મિઓનાં મોજાં ઊછળે હૈયામાં, અનુભવીએ હૈયામાં એની તાણ
જુદી જુદી રીતે રહ્યા જીવી ભલે જીવન, છતાં છે જીવનનું ખેંચાણ
હળી મળી ભલે જીવીએ જીવન, હૈયામાં તો છે ખૂબ ઊંડું પોલાણ
જાગે સંજોગો કદી જીવનમાં એવા, લાગે નીકળી જાશે જાણે પ્રાણ
વાગે હૈયા ઉપર ઘા એવા, ભાવભર્યું હૈયું, બની જાય મસાણ
કેમ કરી જીરવવા ઘા જીવનમાં, પનોતીનાં મંડાઈ જાય મંડાણ
સ્થિરતા કેમ કરી જાળવવી જીવનમાં, મચ્યું હોય હૈયામાં જ્યાં ઘમસાણ
રહ્યા છીએ સતત જીવન તો જીવી, કોઈ ને કોઈના હોય છે દબાણ
આંસુ વિનાનું નથી હૈયું ખાલી, રહ્યું છે હૈયું તો આંસુમાં રમમાણ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)