નંદકિશોર અરે જશોદાના લાલ, ક્યાં ખોવાયા, જુએ છે રાહ સહુ, રમવાને રાસ
મધુરી બંસરીના બજવૈયા, રાહ જુએ ગોકુળિયું ગામ, વ્હેલા આવો આજે રમવાને રાસ
રહો ના વધુ તમે અંતઃધ્યાન, ખીલ્યો તો છે પૂનમનો ચાંદ, આવો આજે રમવાને રાસ
ભૂલી ભુલાય ના તમારી નટખટ ચાલ, ચાલીને એવી ચાલ, આવો આજે રમવાને રાસ
જુએ રાહ ઝાંઝરીના તાલ, સાંભળીને બંસરીના તો નાદ, આવો આજે રમવાને રાસ
મોર મુગટ પીતાંબરધારી, આવો તમે તો રાધા સંગ, આવો આજે રમવાને રાસ
દેજો ભુલાવી તમે તનડાનો થાક, ને મનડાનો તો ભાર, આવો આજે રમવાને રાસ
રાધાસંગ રાખી મધ્યમાં તમને, ફરશું અમે તમારી આસપાસ, આવો આજે રમવાને રાસ
રમીને રમાડીને રાસ, દેજો ભુલાવી તમે ગોકુળિયાનું ભાન, આવો આજે રમવાને રાસ
જોજો આજની રાત તો એળે ના જાય, ગોકુળિયું નિરાશ ના થાય, આવો આજે રમવાને રાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)