તનબદનની સાથેનાં કર્મોની સફર તો, આજ તો પૂરી થઈ
બાકી રહેલી ઇચ્છાઓની લો હવે, જગમાં સફર તો શરૂ થઈ
દોડયું ને દોડાવ્યું ઇચ્છાઓએ તનને જગમાં, સફર એ સફર બાકી રહી
કહ્યું કોઈએ મરણ એને, ગણાવ્યું જીવનનો અંત એને સફર ઇચ્છાની પૂરી ના થઈ
કંઈક થઈ પૂરી, કંઈક રહી બાકી, કંઈક જાગી સફર એમાં ને એમાં બાકી રહી
જીવનમાં ઇચ્છાઓને ના બદલી ના નાથી, ઇચ્છાઓ જીવનને તાણતી રહી
ઇચ્છાઓ રહી અધૂરી, સંબંધો થયા ના પૂરા, ખોજ સંબંધોની ચાલુ થઈ
પડશે લેવાં તન તો કેટલાં, ખબર એમાં તો એની ના પડી
કર્યાં કંઈક શરીરો તો ધારણ, એમાં ઇચ્છાઓ તોય બાકી ને બાકી રહી
નાથવી છે ઇચ્છાઓને, ના નાથી શક્યા, બાકી ને બાકી એ રહેતી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)