આવે આવે ને રહી જાય, આંસુડાં મારાં નયનોમાં, આવે આવે ને રહી જાય
કોઈ વાતમાં દિલને જ્યાં ઓછું આવી જાય, ત્યાં વહેવા એ તૈયાર થઈ જાય
દુઃખદર્દ હૈયામાં જ્યાં ના જીરવાયાં, વહેવા ત્યાં તો એ તૈયાર થઈ જાય
જીવનમાં જ્યાં નિરાશાઓ ના જીરવાય, ત્યાં નયનો આંસુઓ વહાવી જાય
વસમી વિદાય ને વસમી યાદ, દિલમાં જાગી જાય, આંસુઓ ત્યાં વ્હેવા તૈયાર થાય
સહન કરી કરી દિલ જ્યાં આળું થઈ જાય, આંસુઓ ત્યાં તો વ્હેવા તૈયાર થાય
અટકે ના માત્રા દુઃખની જીવનમાં જ્યાં જરાય, આંસુઓ ત્યાં વ્હેવા તૈયાર થઈ જાય
જીવનમાં જાગે, પ્રસંગો જ્યાં ના કહેવાય ના સહેવાય, ત્યાં વ્હેવાએ તૈયાર થઈ જાય
દિલ ધ્રૂજી ઊઠે એવું દર્દ જીવનમાં જાગી જાય, આંસુઓ ત્યાં વહેવા તૈયાર થઈ જાય
જીવનમાં પ્રસંગો ને પ્રસંગો નાસીપાસ કરતા જાય, આંસુઓ ત્યાં આવે આવે ને રહી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)