તોરમાં ને તોરમાં જીવનમાં રહ્યા, જીવનમાં સાથ વિના રઝળતા રહી ગયા
જીદે જીદે, મૂક્યો પૂળો જીવનની શાંતિમાં, જીવનમાં શાંતિ કાજે તડપતા થઈ ગયા
અભિમાને અભિમાને દાટ વાળ્યો જીવનમાં, સમાધાનના રસ્તા બંધ કરી ગયા
ઈર્ષ્યાએ ઈર્ષ્યાએ આગ લગાડી જીવનમાં, શાંતિ જીવનની એ લૂંટી ગયા
ક્રોધ ને ક્રોધ રહ્યા વધારતા જીવનમાં, સાથ બધાના એમાં છૂટતા ગયા
હૈયાં અસંતોષમાં ને અસંતોષમાં જલતાં રહ્યાં, શાંતિ જીવનની એ હરી ગયાં
કંકાસ ને ઝઘડા જીવનમાં ના જ્યાં છોડયા, અનેક ચીજોના ભોગ એમાં બની ગયા
લોભ-લાલચથી જીવનને અભડાવી દીધા, મારગ પતનના મોકળા એ કરી ગયા
કામવાસનાને ના નાથી જ્યાં જીવનમાં, દાસ જીવનમાં એના તો બની ગયા
દોર મૂકી દીધો છૂટો ઇચ્છાઓનો જ્યાં જીવનમાં, હાથનાં કર્યાં જીવનમાં હૈયે વાગ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)