ના કર તું તુજથી નફરત, તું જ તો તારો સાથી ને રાહબર તો તું જ છે
ક્ષણ બે ક્ષણની મીઠાશ કાજે તલપાપડ થયો, મીઠાશનો સાગર તુજમાં છુપાયો છે
નીકળ્યો કરવા પ્યાર ફૂલોને, મળશે શું ચૂંટીને પ્યાર શું, શું ઝાડથી વિખૂટું પાડીને
ઝાડે દીધું સ્થાન એને, એનું અંગ બનાવીને, દઈ શકીશ સ્થાન શું તું એવું એને
સંભળાઈ ના દર્દભરી ચીસ એની તને, મળશે પ્યાર ક્યાંથી એનો તો તને
શોભે ઝાડ ઉપર એ તો એવા, ઝાડની એ તો સદા બહાર બનીને
ઝાડ સાથે સાથે એ તો ઝૂમે, રહ્યું જ્યાં એ તો, ઝાડનું અંગ બનીને
શોભા કાજે પાડયું વિખૂટું, મસ્તક ઝૂમતા પડશે એ તો નીચે વખૂટું પડીને
શોભશે માનવ તો આ ધરતી પર, ઝૂમી ઊઠશે જ્યાં એ પ્રભુનું અંગ બનીને
પ્રભુ સંગે કરશે એ તો નૃત્ય, રહેશે જીવનમાં જ્યાં એનું અંગ બનીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)