પૂર્ણતાના ખેલ ખૂબ ખેલાયા, થયા ના પૂરા, રહ્યા જીવન અધૂરાં ને અધૂરાં
અધૂરપની આગ જલાવી દિલમાં, બુઝાવી ના જીવનમાં, રહ્યા જીવન અધૂરાં ને અધૂરાં
સંતોષના ઓઢીને કામળા, રહ્યા અસંતોષમાં જલતા, રહ્યા જીવન અધૂરાં ને અધૂરાં
હતું પ્રેમમાં દિલ તડપતું, પ્રેમનાં જળ ના એમાં સીંચ્યાં, રહ્યા જીવન અધૂરાં ને અધૂરાં
હતી ઇચ્છાઓની દોટ લાંબી, ના પહોંચી એને શક્યા, રહ્યા જીવન અધૂરાં ને અધૂરાં
જાગ્યા ના ભક્તિના ભાવ, હૈયામાં તો પૂરા, રહ્યા જીવન અધૂરાં ને અધૂરાં
જીવનમાં સમજણનાં દ્વાર ના પૂરાં તો ખૂલ્યાં, રહ્યા જીવન અધૂરાં ને અધૂરાં
જીવનમાં દુઃખને તો ના સમજી શક્યા, સુખના પામી શક્યા, રહ્યા જીવન અધૂરાં ને અધૂરાં
ભાવે ભાવે ભલે હૈયાં ભીંજાયાં, પ્રભુમાં ના એને વાળી શક્યા, રહ્યા જીવન અધૂરાં ને અધૂરાં
મન નચાવ્યા ખૂબ નાચ્યા, ના મનને તો નાથી શક્યા, રહ્યા જીવન અધૂરાં ને અધૂરાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)