નયનો કરું તારાં કેટલાં વખાણ, જીવનમાં પચાવ્યાં જગના અંધારાં ને અજવાળાં
દિલમાં જ્યાં દુઃખનાં વાદળ ઘેરાણાં, ઝીલી સંવેદના, નયનોએ આંસુ વહાવ્યાં
લીધા દિલે જ્યાં શાંતિના શ્વાસો, તેજ એનાં તો ત્યાં નયનોમાં પથરાયાં
જોયું જગમાં નયનોએ જે જે, ખબર એનાં એણે દિલને તો ત્યાં પહોંચાડયા
દિલના પૂરને પ્રેમથી તો ઝીલ્યા, વહાવ્યાં એમાં નયનોએ તો આંસુડાં
સહન થયા ના દુઃખો, સહન થયાં ના જ્યાં દૃશ્યો, કર્યાં બંધ ત્યાં તો પોપચાં
વિવિધ ભાવોને નયનોએ વ્યક્ત કર્યાં, બનીને જીવનમાં એનાં તો અરીસા
મચ્યાં જ્યાં તોફાન હૈયામાં, ચૂપચાપ દઈ સાથ, આંસુ એમાં એણે વહાવ્યા
જીવનભર થયા ના દિલ ને નયનોના મિલાપ, અદીઠ તાંતણે તોય બંધાયા
બનીને દિલના ભાવોની બારી, જીવનભર નાતા જીવનમાં એણે નિભાવ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)