છે અનુભવ, ભૂતકાળ એ તો તારો, છે ભાગ્ય એ તો તારું ભવિષ્યકાળ
છે પુરુષાર્થ એ તો વર્તમાન તારો, જીવીને આજમાં એવું, જીવન તું સુધાર
ગઈકાલ તારી તો ગઈ છે વીતી, આવતી કાલ તારી હજી આવી નથી
છે આજ તો જ્યાં હાથમાં તારા, જીવીને આજમાં તો એવું, જીવન તું સુધાર
છે મીઠા સંબંધોની સુગંધ ગઈ કાલની, આવતી કાલ રાખજે એને મહેકતી
દુર્ગંધ આજની એમાં જોજે ના ફેલાય, જીવી જીવન આજમાં એવું, જીવન તું સુધાર
હતી ગઈ કાલ તો નીરોગી તારી, આવતી કાલને તારી તો રોગી ના બનાવ
જીવવું છે આજમાં એવું, જીવીને આજમાં એવું, જીવન તારું તો તું સુધાર
ગઈ કાલ હતી ના સમજ પાસે તો તારી, મળી છે સમજ તને તો આજ
સાચી સમજ હૈયે તો ધરીને, જીવીને આજમાં એવું, જીવન તારું તો તું સુધાર
ખબર નથી વીત્યા જનમ કેટલા, વિતાવતો ના હવે બીજા જરાય
છે જ્યાં આજ તો હાથમાં તારા, જીવીને આજમાં એવું, જીવન તારું તો તું સુધાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)