છે મારી પાસે તો જીવનમાં મુડી તો, બસ આટલી
શ્વાસોશ્વાસની તો ગતિ છે, લેવા નિર્ણય તો છે મતિ - છે...
પાપપુણ્યની તો છે પથારી, સુખદુઃખની ગાદી છે બિછાવી - છે...
પામવા તો છે સંકલ્પની શક્તિ, ભાગ્ય ચિરવા છે પુરુષાર્થની કટારી - છે...
ભાવભર્યા દિલની છે ક્યારી, શ્રદ્ધાના બીજોની તો છે પ્યાલી - છે...
છે મનની પાંખ શક્તિ ભરી, છે પાંખ બીજી તો વિચારોની - છે...
છે પાસે તો વૃત્તિઓની તાજગી, છે ગુણોની તો સુગંધ ભરી - છે...
પાસે તો છે કર્મોની જવાબદારી, છે ધીરજભરી હોશિયારી - છે...
માનવતનની છે તાજગી, છે સાથે-સાથે એની જવાબદારી - છે...
છે પાસે સૂક્ષ્મ બુદ્ધિની કટાર, કાપવા મોહમાયાની જાળ ભારી - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)