ચડયો છે રંગ, હૈયે રે પ્રભુ, જ્યાં તારા ભાવનો રે, તારા ભાવનો રે
જોજે એ પાકો ને પાકો થાતો જાય, જોજે ના એ ઊતરી જાય
પ્રસંગો ને પ્રસંગો જીવનમાં આવતા જાય, જોજે ભાવો ના એમાં પલટાઈ જાય
ઊછળે-ઊછળે, ભલે ઊંચે એ ઊછળે, ઊછળી-ઊછળી તને એ સ્પર્શી જાય
પડશે ઘા, એના પર, જીવનમાં ઘણાં, જોજે એમાં એ ઊતરી ના જાય
શ્રદ્ધા ને વિશ્વાસના જળથી રાખજે ના વંચિત, એમાં એ તરબોળ રહેતું જાય
સમયે-સમયે, ઊર્મિઓના ધોધ વહે, જોજે ભાવ ના એમાં તણાઈ જાય
વિપરીત ભાવે-ભાવે જીવનમાં, જોજે ના એ તો ઓસરી જાય
ડગલે ને પગલે પડે, બળની જરૂર જીવનમાં, જોજે પ્રેરક બળ એ તો બની જાય
છે અંતિમ લક્ષ્ય પ્રભુ, તું તો મારું, જોજે મને તારી પાસે એ પહોંચાડી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)