સમજી લેજો જીવનમાં સદા, સહુને જીવનમાં અન્યની જરૂર તો પડે છે
છે કુદરતની રચના તો આવી, ભલભલાને, ભલભલાનો આધાર લેવો પડે છે
પહોંચી ના શકે હાથ જીવનમાં તો જ્યાં, પગનો સહારો એણે લેવો પડે છે
વધવું હશે જેણે જીવનમાં, શ્રદ્ધા ને યત્નોનો આધાર તો લેવો પડે છે
અજાણ્યા પ્રદેશમાં પ્રવેશ કરવા, અનુભવીના અનુભવનો આધાર લેવો પડે છે
નભાવવા વ્યવહાર તો જીવનમાં, વિવેક, સમજશક્તિ, હિંમતનો આધાર લેવો પડે છે
જીવે, કર્મો ભોગવવા તો જીવનમાં, તનડાંનો તો આધાર લેવો પડે છે
જળે તો વહેવા આ ધરતી ઉપર, ધરતીનો આધાર તો લેવો પડે છે
ચલાવવું છે રાજ્યકર્તાએ તો રાજ્ય જ્યાં, સૈનિકો ને અન્યનો આધાર લેવો પડે છે
કરવું છે રક્ષણ દેશનું કે ખુદનું, સૈનિકોએ શસ્ત્રનો આધાર લેવો પડે છે
છે એકબીજા ઉપર આધારિત જગજીવન, સહુએ પ્રભુનો તો આધાર લેવો પડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)