તૈયારી નથી, તૈયારી નથી, પ્રભુને મળવાની, તારી તો તૈયારી નથી
છોડવી નથી તારે મોહ-માયા, એને ભૂલવાની, તારી તો તૈયારી નથી
સુખદુઃખમાં રહે છે તું અટવાઈ, તારી લાગણીને ભીંજવ્યા વિના રહેવાની નથી
કામ વાસનાના રંગ છે ઊંડા, રંગાયા વિના, એમાં તું રહેવાનો નથી
લોભ-લાલચના, નફા-નુક્સાનના, હિસાબ તારા હજી અટક્યા નથી
ખાય છે દયા તો તું તારી સ્થિતિની, દયા અન્યની હૈયે વસતી નથી
કર્મના હિસાબ તો છે તારા મોટા, એના ફળની આશા હજી અટકી નથી
કર્તાપણાના ભાવો તારા છે મજબૂત, હજી ઢીલા એ તો પડયા નથી
હસ્તી પ્રભુની લાગે મીઠી, એની હસ્તીમાં, તારી હસ્તી મેળવવા તૈયારી નથી
જોઈ રહ્યો છે રાહ તું એની સ્વાર્થ કાજે, નિઃસ્વાર્થ બનવાની તૈયારી નથી
જરૂરિયાત દીધી તેં તો વધારી, જરૂરિયાત વિના રહેવાની તૈયારી નથી
યાદે-યાદે કરે યાદ એ તો, એની યાદમાં, તારી યાદ ભૂલવાની તૈયારી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)