જાગ્યા ત્યાંથી સવાર ગણજો, સૂતા ત્યાં છે અંધકાર
અમૂલ્ય માનવદેહ પામીને, એળે ના ખોશો અવતાર
જન્મ પામ્યા અનેક, ને સુખદુઃખ ભોગવ્યાં કંઈક વાર
શું થાક્યા નથી એનાથી, મનમાં કરજો એનો વિચાર
લીલા `મા' ની છે સોહામણી, લોભાયો તું વારંવાર
લોભમાં હર વખત ડૂબીને, બને છે તું તેનો શિકાર
કર્મનો હિસાબ છે જનમ-જનમનો, હવે ના એ વધાર
ભોગવવા ટાણે લાગશે આકરા, ફરશે લઈને એનો ભાર
કર્મો ભોગવવા બાળવા આવ્યો છે, તું જગ મોઝાર
જાણે-અજાણે નવાં બાંધતો, ઓછા ના થાતાં લગાર
`મા' નું નામ ભજવા હવે થઈ જા તું સદા તૈયાર
દુનિયાની ઝંઝટ ભૂલીને, છોડી દે તું સર્વ વિકાર
સાચો તારો નિર્ણય હશે, ને શુદ્ધ હશે જો નિર્ધાર
`મા' સદાય સહાય કરશે, સુણીને સાચા દિલનો પોકાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)