ભવનું બધું તો તું, આ ભવમાં પૂરું કરી લેજે (2)
ભવોભવની યાત્રા તો તારી, આ ભવમાં તું પૂરી કરી લેજે
મળ્યો માનવ દેહ તો તને, ફરી-ફરી માનવ જનમની, રાહ ના તું જોજે
પાપ-પુણ્યના હિસાબ તો તારા, આ ભવમાં તું સરખા કરી લેજે
કરી ચોખ્ખો હિસાબ તારો આ ભવમાં, ઋણમાંથી તો તું મુક્ત થાજે
કોણ દેશે સાથ તને, છોડશે કોણ અધવચ્ચે, બરાબર આ તું સમજી લેજે
મુક્તિ છે લક્ષ્ય જીવનનું તો તારું, નજરમાંથી ના તું એને હટવા દેજે
સમય તારો માયામાં વિતાવી, જીવનમાં સમય ના તું વેડફી દેજે
લક્ષ્ય તરફ રહી ચાલતો ને ચાલતો, જીવનનું લક્ષ્ય તારું તું સિદ્ધ કરી લેજે
રસ્તા જીવનમાં વારંવાર બદલીને તારા, એમાં ને એમાં ના અટવાતો તું રહેજે
આ સ્વપ્નમય સૃષ્ટિમાં, જીવનમાં, તારી મુક્તિનું સ્વપ્ન તું પૂરું કરી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)