આવ્યો છે તું આ જગમાં, કંઈક સત્કર્મો કરતો જા
સમય કાઢીને પણ તું,`મા' ને હવે ભજતો જા
કાળ તને ઝડપશે ક્યારે, તને એ સમજાશે ના
અહીંનું ભેગું કરેલું તારું, સાથે લઈ જવાશે ના
અમરપટ્ટો નથી લખાવ્યો, સમયનો ઉપયોગ કરતો જા
સમય કાઢીને પણ તું,`મા' ને હવે ભજતો જા
ખેલ ખેલ્યા છે જગમાં બહુ તેં તો, હવે તું અટકી જા
સારા-નરસા વિચારો છોડી, `મા' ના સ્મરણમાં લાગી જા
કાયા તારી ચાલે છે, ત્યાં એની તરફ તું વળી જા
સમય કાઢીને પણ તું,`મા' ને હવે ભજતો જા
માયામાં ચિત્ત ચોંટાડ્યું બહુ, હવે એ બધું વીસરી જા
પાટી તારી કોરી-કરીને, નવા એકડા લખતો જા
પાપ-પુણ્યનું ભાથું આવશે સાથે, પુણ્ય ભેગું કરતો જા
સમય કાઢીને પણ તું,`મા' ને હવે ભજતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)