દેખાય ના, દેખાય ના, દેખાય ના, હાથ પ્રભુના તો જગમાં દેખાય ના
ભાગ્ય ને કર્મની જાળ છે એવી અટપટી, અટવાયા વિના એમાં રહેવાય ના - હાથ ...
કર્તા જગમાં સહુને બનાવી, પ્રભુ ચાલ ચાલે એવી, ચાલ એની સમજાય ના - હાથ...
બુદ્ધિથી સમજાય ને ઉકલે કોયડા, એજ બુદ્ધિ કોયડામાં મૂંઝાયા વિના રહે ના - હાથ...
સુખદુઃખનું ચક્ર રહે જીવનમાં ફરતુંને ફરતું, હાથ ફેરવનારના તો દેખાય ના - હાથ...
વેર પ્રેમની જાળ છે જીવનમાં એવી, બાંધે બંધન એવા, બંધન એના દેખાય ના - હાથ...
કાળને કાળ રહે વીતતો, રહે જીવનને એ તો ખાતો, હાથ એના તોયે દેખાય ના - હાથ...
ચાલતું રાખે એ તો જગને, રહે જગ તો ચાલતું, હાથ એના તોયે દેખાય ના - હાથ...
હાથ છે એના કેવા, કરો કલ્પના રહે તોયે અધૂરા, હાથ એના તોયે દેખાય ના - હાથ...
લાગે કદી વજ્ર સમા, કદી ફૂલ સમા, અનુભવાય જગમાં તોયે દેખાય ના - હાથ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)