જીવનવાટ છે ટૂંકી, ઉપયોગ એનો નવ કીધો
ત્યાં ફરિયાદ કરવી શાને
આકાંક્ષાઓમાં ડૂબ્યો, નિતનવી જાગતી, એમાં રાચ્યો
ત્યાં ફરિયાદ કરવી શાને
જીવન જીવવું મારી રીતે, આફતોથી ખૂબ અકળાયા
ત્યાં ફરિયાદ કરવી શાને
`મા' નાં દર્શન નવ થયાં, સ્વાર્થમાં રહ્યો સદા ડૂબ્યો
ત્યાં ફરિયાદ કરવી શાને
પ્રભુસ્મરણમાં બેસતો, જગતની મમતા ના છોડતો
ત્યાં ફરિયાદ કરવી શાને
મળ્યું જે-જે મને, પ્રભુકૃપાએ નવ સમજ્યો
ત્યાં ફરિયાદ કરવી શાને
આફતોથી વ્યાકુળ બન્યો, પ્રભુદર્શન કાજે નવ થયો
ત્યાં ફરિયાદ કરવી શાને
સ્વદુઃખે પ્રભુ પાસે રડ્યો, પર દુઃખે હૈયે ના ભીંજાયો
ત્યાં ફરિયાદ કરવી શાને
લેવા માટે ખૂબ દોડ્યો, દેવા ટાણે પાછો પડ્યો
ત્યાં ફરિયાદ કરવી શાને
સંસારમાંથી છૂટવા મથ્યો, વળગણોને વળગી રહ્યો
ત્યાં ફરિયાદ કરવી શાને
પરિવાર પ્રેમે પાગલ બન્યો, પ્રભુ પ્રેમે નવ દ્રવ્યો
ત્યાં ફરિયાદ કરવી શાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)