આવી જીવનમાં ક્યાંથી કેમને ક્યારે, ના સમજણ એની તો પડી
જાગી ગઈ જીવનમાં કેમને કેવી રીતે, સમજણ ના એની તો પડી
આવીને વળગી ગઈ હૈયે એ તો એવી, નામ જાવાનું ના એ લેતી ગઈ
ખાવું પીવું દીધું બધું ભુલાવી, એમાંને એમાં મને એ તો ગૂંથતી ગઈ
કરી કોશિશો છૂટવા એમાંથી ઘણી, ના કામિયાબ એ તો કરતી રહી
રૂપરંગ રહ્યા મારા બદલાતા, નૂર મારું જીવનમાં એ તો હરતી રહી
કદી લાગે જ્યાં એ તો છૂટી, નવા રૂપે આવી એ તો વળગી ગઈ
આવીને વસી એવી, રહી સાથેને સાથે, નીંદર મારી એ તો હરી ગઈ
કારણ વિના કે કારણથી, પણ એ તો આવીને આવીને રહી
હતી એ તો કેવી, જાણું ના જરી, જીવનમાં ચિંતા મારી એ સરજી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)