ઊંચકીને ભાર જગમાં તો સહુનો, થાક્યા વિના ધરતી ફરતીને ફરતી રહે છે
ઊંચકીને ભાર જગમાં તું તો તારો, શાને ભારથી, તું તો થાકતોને થાકતો રહ્યો છે
જોઈ કાળા ધોળા જગના સાગર ના થાક્યો, ઊછળતો ને ઊછળતો એ તો રહ્યો છે
તારા કાળા ધોળાથી થાક્યો તું તો જગમાં, બૂમાબૂમ એની શાને તું તો પાડી રહ્યો છે
ઘાએ ઘાએ દીધાં ત્રાસ ઝાડપાનને તો માનવે, લહેરાતાંને લહેરાતાં તોયે એ તો રહ્યાં છે
ભાગ્યના થાતા ત્રાસ ઝીલી ના શક્યો તું જીવનમાં, આંસુ સારી શાને એમાં તું તો રહ્યો છે
ખાધી ના દયા તેં તો પ્રાણીની, માનવ વફાદારીનો પણ બદલો તું તો માગી રહ્યો છે
બેવફાઈ કરે વફાદાર જીવનમાં તારી જ્યારે, પિત્તો તારો ત્યારે કેમ ઊછળી રહ્યો છે
તોલમાપ તારા તો છે જીવનમાં જ્યાં જુદા, પ્રભુને શાને તું તો તોલી રહ્યો છે
હાલાત સુધારી ના શક્યો જીવનમાં તું તો, તારી ફરિયાદ વિના, ફરિયાદ તું શાને કરી રહ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)