છે તારોને મારો સંબંધ તો પુરાણો, છે તારોને મારો સંબંધ તો પુરાણો
ભૂલ્યો ના ભુલાશે અવગણ્યો ના અવગણાશે, પ્રભુ તારોને મારો સબંધ છે પુરાણો
વસ્યો હું તો તનમાં, વસ્યો તું તો જગમાં, છૂટયો ના કે તૂટયો ના, અતૂટ સબંધ આપણો
છે અસ્તિત્વ મારું ભલે તો તુજથી, મારા થકી પ્રભુ, પ્રભુ તું તો ગણાયો
ગણવા શું જન્મો, રહ્યાં છે માયાનો તાંતણો જગમાં, મેળાપ તારો તો અટકાવ્યો
તું સુખદુઃખથી તો નિર્લેપ રહ્યો, જીવનમાં એમાંને એમાં રહ્યો હું તો બંધાયો
લેતોને લેતો રહ્યો જગમાં જનમ હું તો, રહ્યા ના યાદ મને, હિસાબ તારી પાસે તો લખાયો
બાંધી ના શકે તને કોઈ તો જગમાં, જગમાં તું તો પ્રેમથી બંધાયોને બંધાયો
છું જ્યાં સંતાન હું તો તારું, થાવું છે ને બનવું છે, મારે તુજથી તો સવાયો
છે તારોને મારો સબંધ તો પુરાણો રે પ્રભુ, છે તારોને મારો સબંધ તો પુરાણો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)