રામ જેવા અવતારી થયા, રાવણ જેવા રાજવી ગયા
પણ માનવના હૈયામાંથી, રાવણ તણા બીજ એવાં ને એવાં રહ્યાં
કૃષ્ણ જેવા પરાક્રમી થયા, કંસ-દુર્યોધન સરખા ગયા
પણ માનવના હૈયામાંથી, એનાં બીજ એવાં ને એવાં રહ્યાં
મહાવીર સરખા અહિંસાના સ્વામી થયા, હિંસાનાં વળતાં પાણી થયાં
પણ માનવના હૈયામાંથી, હિંસાનાં બીજ એવાં ને એવાં રહ્યાં
નાનક-કબીર સરખા જ્ઞાની થયા, કંઈકનાં અજ્ઞાન હર્યાં
પણ માનવના હૈયામાંથી, અજ્ઞાનનાં બીજ એવાં ને એવાં રહ્યાં
ચૈતન્ય ને મીરાંએ પ્રેમના પીયૂષ પાયા, કંઈકનાં વેર શમ્યાં
પણ માનવના હૈયામાંથી, વેરના બીજ એવાં ને એવાં રહ્યાં
સંતો તણા આવાગમન થયાં, કંઈકના જીવનરાહ બદલાયા
પણ માનવનાં હૈયાં હજી એવાં ને એવાં રહ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)