છે બંસરી તો જ્યાં તારી પાસમાં રે, સૂર કાઢવા કેવાં, છે એ તારા હાથમાં રે
કાઢીશ સૂર એમાંથી જો તું મીઠાં રે મોહીશ સહુના એમાં તો તું ચિત્તડાં રે
કાઢીશ સૂર જો તું એમાંથી કઢંગા રે, ફરકશે ના કોઈ તો તારી પાસમાં રે
છે સપ્તસૂરો તો જ્યાં તારી સાથમાં રે, વગાડવા કેમ, છે એ તો તારા હાથમાં રે
નીકળશે સૂરો જો તારા તો લયમાં રે, ઊઠશે ડોલી હૈયાં સહુના તો એમાં રે
નીકળશે સૂરો જો કરુણાના એમાંથી એવાં રે, ભીંજાશે સહુના નયના તો એમાં રે
નીકળશે સૂર વેરનાને ક્રોધના એમાંથી રે, ડહોળી જાશે તારાને સહુના હૈયાં રે
કાઢીશ સૂર આલહાદક એમાંથી એવાં રે, ઝૂમી ઊઠશે સહુના હૈયાં તો એમાં રે
તારા સૂરે સૂરે તો જગ તારું સુધરશે કે બગડશે રે, છે એ તો તારા હાથમાં રે
સમજીને સૂર કાઢજે તું એમાંથી એવાં રે, જોઈએ જીવનમાં સાથ તને જેવાં રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)