પિંજરામાંને પિંજરામાં પૂરાયા છે રે પંખી, પુરાયા છે રે પંખી
થાવા મુક્ત એ તો, ફફડાવે પાંખો, થાવા મુક્ત એ તો ઝંખેને ઝંખે
લાગ્યું પિંજરુ જેને તો મીઠું, મળ્યો ખોરાક જે એ તો આરોગે
કરે યત્નો સહુ તો છૂટવા, કંઈક તો થાકે, કોઈક તો છૂટે
છે ષડવિકારો ને પંચેન્દ્રિયનું પિંજરૂ, પુરાયા છે એમાં તો પંખી
યત્નોથી બને સળિયા કોઈક ઢીલા, ફરી પાછા મજબૂત એ તો બને
પિંજરાના ઘાટ તો છે ભલે જુદા જુદા, પિંજરા એ તો છે પિંજરા
રહ્યાં યત્નશીલ જે સદા, મળી જ્યાં સફળતા, મુક્ત એ તો બને
યત્નોમાં તો શ્વાસ જ્યાં છૂટયા, નવા પિંજરે, એ તો પુરાયા
શ્વાસો મુક્તિના તો એમાં રૂંધાયા, મુક્તિ વિના મુક્ત શ્વાસ ના મળ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)